Monday, August 31, 2020

ગેરસમજનું નિરાકરણ જરૂરી

                                               ગેરસમજરૂપી પથરો મીઠા સંબંધરૂપી શાંત પાણીમાં પડતાં મનમાં વમળરૂપી તોફાની વિચારોની શરૂઆત થાય છે અને માનવીય સંબંધરૂપી કાચની જેમ ચૂરચૂર થયા વિના રહેતો નથી . ગેરસમજ થતા નજદીકના માણસો કયાં ના ક્યા દૂર થઈ જતા વાર લાગતી નથી. 

                                              મિત્રોમાં ગેરસમજ ઉભી થતા જો ગેરસમજ દૂર ન થાય તો મિત્રો એક બીજનાં શત્રુ બની જાય છે . દંપતિમાં ગેરસમજ ઉભી થતા, જો સમજાવટથી ઉકેલ ન આવે તો પતિ પત્નીનાં સંબંધમાં તિરાડ પડે છે. પરિવારમાં ગેરસમજ ઉભી થતાં સભ્યોમાં સંબંધ બગડતા વાર લાગતી નથી. ભાગીદારોમાં વિશ્વાસરૂપી સ્થંભ તૂટતા અને ગેરસમજ થતાં ને તેનું નિવારણ ન કરાતાં ભાગીદારીનો અંત આવવામાં વાર લાગતી નથી. વ્યવસાય કે કારખાનાનાં માલિક - મજૂરોમાં, શેઠ તથા ગુમાસ્તામાં ગેરસમજ ઉભી થતા અને જેનો ઉકેલ ન આવતા હડતાલ પણ પડી શકે છે.

                                            જ્યારે ગેરસમજ થઈ હોય એવું લાગે તો તરત જ તેનું નિવારણ લાવવા પ્રયત્ન કરવો જોઈએ જેથી તેનો ઉકેલ તરત લાવી શકાય અને વધુ ગેરસમજ ન થાય ને જે સમસ્યા ઉભી થઈ હોય તેનો નિવેડો લાવી શકાય. 

                                            માનવી પોતે સમજવામાં ભૂલ કરે અને મનમાં ને મનમાં વિચારોનાં વમળમાં ફસાઈને કોઈના માટે મંથિ બાંધે તો તે માનવી પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે . જો પોતાને લાગે કે કોઈક ગેરસમજ ઉભી થઈ છે તો તરત જ તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ , મનમાં ને મનમાં ગેરસમજ રહેવા દેતા મતભેદ થાય છે જે અંતે મનભેદમાં પરિણમે છે .

                                           જ્યારે ગેરસમજ દૂર નહિ કરાય ત્યારે વહેમનો કીડો મનમાં સળવળે છે. જેવી રીતે અલસરનો અકસીર ઈલાજ ન થાય તો કેન્સરનો રોગ ઉદ્ભવે છે તેવી જ રીતે ગેરસમજ દૂર ન થાય ત્યારે મનમાં ઉધઈરૂપી શંકાનું ઘર બની જાય છે તેથી ગેરસમજની ચોખવટ તરત કરી દેવી જે ઈએ.

                                           ગમે તેની જોડે ગમે ત્યારે ગેરસમજ થઈ શકે છે ત્યારે નિખાલસતાથી તે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ જેથી સંબંધ જળવાઈ રહે છે . શંકાશીલ સ્વભાવ ગેરસમજ વધારવામાં કારણભૂત બને છે . ગેરસમજ દૂર ન કરાતા પોતે કંઈક ગુમાવતો રહે છે જેથી ગેરસમજ થતા જે સમજાવટ કરવામાં આવે તો તેનું નિવારણ થઈ જાય છે. 




                                    ગેરસમજને દૂર કરવાથી નિરાશા કદી આવતી નથી .

Tuesday, August 25, 2020

તમારી, મારી અને કુટુંબની બરબાદી એટલે તમાકુ

સોનેરી સૂચનો 

હકારાત્મક વિચારો કરો, તમારી જાતને કહો તમે તમાકુ કે ધુમ્રપાન છોડી શકો તેમ છે?

છોડવા માટેની એક તારીખ નક્કી કરો જે દિવસે તમે હળવા હો અને તે તારીખને વળગી રહો.

તમને તમાકુ કે ધુમ્રપાન કરવાનું કદાચ મન કરાવે તેવી પરિસ્થિતિમાં જવાનું અને તેવા લોકોને મળવાનું ટાળો.

લાલચ ટાળો . " બસ એક જ ’ સિગરેટ પી લઉ કે તમાકુ ખાઈ લઉં. એવી કોઈ ચીજ નથી.

તમાકુ કે ધુમ્રપાન છોડવા માગતી હોય તેવી બીજી કોઈ વ્યકિતનો સાથ મેળવી લો, જો , અને એકબીજાને ટેકો આપ.

ધુમાડા વગરનું તમાકુ અને શીશા ( હુક્કો ), તમાકુ કે સીગારેટ પીવાનું પણા તમારા આરોગ્ય માટે નુકશાનકારક છે, આથી તમને સિગરેટ કે પાઈપનું તમાકુ કે ધુમ્રપાન છોડવામાં મદદના ઉપાય તરીકે તે વસ્તુઓનો ઉપયોગ કરશો નહિ.

તમે બચાવો તેમાંથી કેટલાક પૈસા તમે તમારા મનગમતી પ્રવૃત્તિકે કુટુંબ કલ્યાણ માટે ખર્ચો.

એક વખતે એક જ પોતાનો વિચાર કરો અને તમારી જાતને દરરોજ અભિનંદન આપો કે તમે વ્યશન છોડો છો. .




Sunday, August 23, 2020

જીંદગી એક સંઘર્ષ

                        આ જીવનમાં બાળવસ્થામાં રમતગમતમાં જીત મેળવવા, કિશોરાવસ્થામાં પ્રવેશ થતાં ભણતરમાં, પાકટવયે નોકરી કરતાં કે ધંધામાં અથવા કારખાનામાં ઉભી થતી તકલીફો તથા જીવનસંધ્યામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવા દરેકે સંઘર્ષ કરવો પડે છે.

                       સંઘર્ષ જીવનનું એક પાસું બની ગયું છે. 
            
                       આજના આ આધુનિક યુગમાં ડગલે ને પગલે દરેક માનવીએ જુદા જુદા સંદર્ભમાં સંઘર્ષ કરવો જ પડે છે. માનવીને ખાધાખોરાકી વગર ચાલે નહીં, તેમ સમાજમાં રહેવા માટે ગમે તે સમયે, કે ગમે તેવા સંજોગોમાં કે ગમે ત્યાંથી આવતી સમસ્યાને હલ કરવા લોકોએ સંઘર્ષ કરવો જ પડે છે અને સજાગ રહેવું પડે છે. જો ગભરાયા તો કામથી ગયાં. આજે લોકો પડતાને પાટું મારતા હોય છે. 
             
                      પુરુષ હોય કે સ્ત્રી, મા હોય કે બાપ, દીકરો હોય કે દીકરી, બાળક હોય કે વૃદ્ધ હોય, સંસારી હોય કે સાધુ, નેતા હોય કે અભિનેતા હોય, ભાડુઆત હોય કે મકાનમાલિક, વેપારી હોય કે નોકરિયાત સર્વેને સમસ્યા ઉભી થતા તેનો મુકાબલો કરવા સંઘર્ષ કરવો જ પડે છે. જે વ્યક્તિ સંઘર્ષ કરવાને શક્તિમાન નહિ હોય તો તે નબળો ગણાય છે અને ઢીલો તથા ભલો લાગે છે તથા તે જિંદગીમાં પાછા પડતો હોય છે. સંઘર્ષ એવી લડત છે કે પોતાનો હક સિદ્ધ કરવા તથા વચ્ચે આવતી અડચણો દૂર કરવા માટે લડાય છે. 

                     કોઈ વખત સંધર્ષમાં ઉતરતા પોતાનો અહ્ મ ઘવાય છે અને યેન કેન પ્રકારે પોતાનું જ હિત જાળવવા પ્રયત્ન કરે છે. પોતે કોઈક વખત સમજતો પણ હશે કે આ બરાબર નથી પરંતુ એક વખત આગળ ગયા પછી પાછું કેમ જોવાય? ઉગામેલી તલવાર પાછી મ્યાનમાં કેમ મુકાય? 

                    સંઘર્ષમાં પુરુષાર્થ ઘણો મોટો ભાગ ભજવે છે. પોતાનું ધ્યેય સફળ કરવા પુરુષાર્થ કરવો પડે છે તથા પોતાનું મનોબળ પણ સંઘર્ષ કરવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. 

                    કોઈને આર્થિક સમસ્યા હોય તો કોઈને ધંધાકિય સમસ્યા હોય, કોઈને સામાજિક હોય તો કોઈને કૌટુંબિક સમસ્યા હોય, તો કોઈને ભણતરમાં સમસ્યા હોય તો કોઈને રમતગમતમાં સમસ્યા હોય ત્યારે તે સમસ્યાનો ઉકેલ લાવવા તથા યોજના પાર પાડવા સંઘર્ષ કરવો જ પડે છે. કોઈક સંજોગોમાં સંઘર્ષ વ્યાજબી હોય તો અમુક સંજોગોમાં બિનવ્યાજબી હોય છે.

લોભી સિંહની વાર્તા

    લોભી સિંહની વાર્તા ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તેણે અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડીવાર શોધ્યા પ...